મોટી મોટી વાતો જવા દઇએ તો પણ લેખકોની જવાબદારી તો સૌથી મોટી છે. મુદ્રકો, પ્રકાશકો, તથા વાચકોના માથે દોષનો ટોપલો ઓઢાડી દેવાનું એ બાલિશ કામ છે. જવાબદારીનો સ્વીકાર કરવો, એ પરિપક્વતાની નિશાની છે.
- લખવાની જરૂર છે ખરી, તે પ્રશ્ન પહેલાં પૂછવો જોઇએ. ન લખવાથી પણ ભાષા અને સાહિત્યની સેવા કરી શકાય છે. હા, મેં પણ ઘણીવાર લખવાનું માંડી વાર્યું છે. કોઇના ગમે તેટલા અાગ્રહ છતાં ઇચ્છા વિરુદ્ધ લખવું ન જોઇએ.
- નવા લેખકોની જરૂર તો છે જ. તેમણે પોતાની પસંદગીના વિષય ઉપર, માળખું તૈયાર કરી, તેને થોડા દિવસો કે વર્ષો સુધી ધીમા તાપે ચડવા દઇ, થોડો થોડો મસાલો નાખતા જઇને, વારંવાર ચાખી જોયા પછી, અને મિત્રોને ચખાડી જોયા પછી, તેમનાં સુચનોને અાદર અાપીને, કૃતિ પૂરી કરવી જોઇએ. સર્જનની ક્રિયા લખવાનું શરુ કરતાં પહેલાં કરવાની હોય છે. કાગળ ઉપર વેરણ છેરણ પડેલા મુદ્દાઓને મનમાં જ અમ તેમ ગોઠવી જોઇને, તેમાં વધઘટ કરીને, વાગોળીને, છેવટે તેની પોતાની ઇચ્છા થાય તો અને ત્યારે તેને કલમમાંથી વહેવા દેવી જોઇએ.
- માત્ર સારો વિચાર કે વિસરી ન શકાય તેવો અનુભવ એક સારો લેખ જ બને છે તેમ નથી. પોતાનો એ અનુભવ બીજા સુધી પહોંચાડવો એ લેખકનું કર્તવ્ય છે, માત્ર ટપાલીની જેમ નહીં. સદ્ગત મા, પ્રિયતમા, સંત-સ્વામી-દેવદેવી-ભક્તિરસ, મરણ, દુર્ઘટના, વગેરે તીવ્ર લાગણીઓ જન્માવી શકે, પણ તેમાં વાચકને શા માટે રસ પડવો જોઇએ?
- સરળ ભાષા એ કોઇ પણ લખાણની શોભા ગણાવી જોઇએ. અલંકારો, ચમત્કૃિત, ભારેખમ શબ્દો, લાંબાં વાક્યો, મુદ્દાનો અભાવ, ઇતર ભાષાનાં ન સમજાય તેવાં અવતરણો, અા બધું કોઇ પણ કૃતિને મારી નાખવા માટે પૂરતું છે. નવા શબ્દ કે અવતરણની ગુજરાતીમાં સમજણ અાપવી અનિવાર્ય છે. વાચકના વિકાસમાં મદદ કરવી એ સારી વાત છે, પણ તેને ગળે ઠળિયો ભરાય તે સારું ન ગણાય.
- બીજા સર્જકનનું લખાણ અમુક હદમાં જ વાપરી શકાય, અને તે પણ પોતાનું કરી નાખીને તો નહીં જ.
- લેખ છપાવવાની કે કાવ્ય જાહેરમાં વાંચવાની ઊતાવળ ન કરવી. સુંદર લેખ કે કાવ્ય લખે તે લેખક. તેને પ્રકાશન સાથે કંઇ જ લેવાદેવા નથી. લેખ છપાય તેટલા માત્રથી લેખક થઇ જવાય તેમ નથી. પરંતુ નબળી કૃતિ લેખકની ગેરલાયકાત સાબિત કરવા માટે શક્તિમાન હોય છે.
- વ્યાકરણ, છંદ, પ્રાસ, ભાતભાતના નિયમો અને તેમના અપવાદો, જોડણી, ઇત્યાદિ કરતાં સરળતા, મધુરતા, રસમયતા, નવીનતા, ઉપયોગિતા, વધારે અગત્યનાં છે.
- ડગલે અને પગલે પોતાની કૃતિ મનમાં ફરી ફરીને વાંચવી જોઇએ, તો જ નવી નવી દિશાઓ મળે, અને ક્ષતિઓ (ભૂલો પણ) નજરે પડે. ભુલો સુધાર્યા પછી ૨-૩ વાર ફરીથી વાંચી જવી જોઇએ. મુદ્રકને ત્યાંથી કાચી છપાઇ થઇને અાવે (પ્રૂફ) તે સત્વરે અને અત્યંત કાળજીપૂર્વક ચકાસી જવાં જોઇએ. મુદ્રણ બરોબર ન લાગે ત્યાં સુધી લખાણને પ્રેસમાં જવાની છૂટ અાપવી ન જોઇએ. ગભરાવાની જરૂર નથી. મુદ્રક અને પ્રકાશક બીજી વખત વધારે ધ્યાનથી તમારું કામ કરશે.